TRAI WhatsApp સ્પામ કોલ્સની ફરિયાદ માટે નવા સિસ્ટમ પર કામ કરી રહ્યું છે .
Photo Credit: Pixabay
TRAI WhatsApp સ્પામ કોલ્સની ફરિયાદ માટે નવા સિસ્ટમ પર કામ કરી રહ્યું છે .
મોબાઈલ પર આવતા સ્પામ કોલ્સ અને અનિચ્છનીય મેસેજથી ઘણા લોકો પરેશાન રહે છે . હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટર TRAI નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે . જો આ યોજના અમલમાં આવશે તો WhatsApp અને Google Phone Dialer પરથી કરવામાં આવેલી સ્પામ ફરિયાદો સીધી ટેલિકોમ કંપનીઓ અને TRAI સુધી પહોંચી શકશે . તેના કારણે સ્પામ કરનારા નંબર સામે વધુ ઝડપથી કાર્યવાહી થઈ શકશે .
એક રિપોર્ટ અનુસાર , TRAI આ મુદ્દે Meta અને Google સાથે સતત ચર્ચા કરી રહ્યું છે . યોજના એવી છે કે WhatsApp અથવા Googleના ઇનબિલ્ટ ફોન ડાયલર પર કોઈ યુઝર સ્પામ કોલ અથવા મેસેજની ફરિયાદ કરે , તો તેની માહિતી સીધી ટેલિકોમ કંપનીઓના Distributed Ledger Technology ( DLT ) પ્લેટફોર્મ અને TRAIના Do Not Disturb ( DND ) પોર્ટલ સુધી પહોંચે .
હાલમાં DLT પ્લેટફોર્મનો ઉપયોગ ટેલિકોમ કંપનીઓ ટેલિમાર્કેટર્સની નોંધણી અને કોમર્શિયલ મેસેજિંગ પર નજર રાખવા માટે કરે છે . બીજી તરફ DND પોર્ટલ પર યુઝર્સ અણગમતા પ્રમોશનલ કોલ્સ અને મેસેજની ફરિયાદ નોધાવી શકે છે . જો WhatsApp અને Google Dialer પરથી મળતી ફરિયાદો પણ આ સિસ્ટમ સાથે જોડાશે , તો વારંવાર સ્પામ કરતા નંબરને ઓળખવાનું વધુ સરળ બનશે .
રિપોર્ટમાં જણાવ્યું છે કે TRAI ખાસ કરીને WhatsApp પર મળતી સ્પામ ફરિયાદોની માહિતી પણ ટેલિકોમ કંપનીઓ સુધી પહોંચાડવા માંગે છે . આથી સ્પામ મેસેજ અને કોલ્સ મોકલતા લોકો અથવા સંસ્થાઓ સામે વધુ અસરકારક કાર્યવાહી થઈ શકશે . જોકે , આ મામલે Meta અને Google સાથે ચર્ચા હજુ ચાલુ છે બંને કંપનીઓએ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .
જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે , તો યુઝર્સને અલગ - અલગ પ્લેટફોર્મ પર જઈને ફરિયાદ કરવાની જરૂર ઓછી રહેશે . એક જ જગ્યાએ કરેલી ફરિયાદ સંબંધિત એજન્સીઓ સુધી ઝડપથી પહોંચશે . પરિણામે સ્પામ કોલ્સ અને મેસેજ મોકલતા નંબર સામે વહેલી તકે પગલાં લેવામાં મદદ મળશે અને મોબાઈલ યુઝર્સને વધુ સુરક્ષિત અનુભવ મળી શકે છે .
જાહેરાત
જાહેરાત